
ગત ૧૮ જાન્યુઆરીએ હરણી તળાવ ખાતે લેકઝોનના સંચાલકોની બેદરકારીથી સર્જાયેલી બોટ દુર્ઘટનમાં ૧૨ માસુમ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકાઓ મળીને ૧૪ના મોત થયા હતા. આ કેસમાં વધુ ત્રણ આરોપીઓએ કરેલી જામીન અરજી વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.
કોટિયા પ્રોજેક્ટ દ્વારા લેકઝોનનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા ૨૦ ભાગીદારોની પોલીસે ધરપકડ કરી હતી જે પૈકીના નુતન શાહ, વૈશાખી શાહ, તેજલ દોશી અને નેહા દોશી ગત સપ્તાહે હાઇકોર્ટમાંથી જામીન મેળવીને જેલમુક્ત થયા છે. જ્યારે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદાર બિનિત હિતેશ કોટિયા ઉપરાંત અન્ય ભાગીદારો ધર્મિન ગિરિશભાઇ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર), જતીન હરીલાલ દોશી, વેદપ્રકાશ રામપ્રકાશ યાદવ, દિપેન હેતેન્દ્રભાઇ શાહ, રશ્મીકાંત ચિમનલાલ પ્રજાપતિ, અલ્પેશ ભટ્ટ, ભીમસિંગ યાદવ અને ધર્મિલ બથાણી વડોદરા સેશન્સ કોર્ટમાંથી જામીન મુક્ત થયા છે આમ ૨૦ પૈકી ૧૪ આરોપીઓ હાલમાં જામીનમુક્ત છે.
આ દરમિયાન કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલકો પૈકી પરેશ શાહ,વત્સલ શાહ અને મેનેજર શાંતિલાલ સોલંકીએ પણ જામીન અરજી મુકી હતી જે આજે સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે એટલે આ ત્રણ આરોપીઓએ હજુ જેલામાં જ રહેવુ પડશે.જ્યારે ભાગીદાર નિલેશ જૈન, નયન ગોહિલ (બોટ ઓપરેટર) અને અંકિત વસાવા (બોટ હેલ્પર) હજુ જેલમાં જ છે.