





જયકુમાર નાયી
મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, મહેસાણા ખાતે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન કાર્યક્રમ” યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના વ્યાપક વિકાસ માટે માર્ગદર્શન આપી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું. ખેડૂતો પગભર થાય એ સરકારની જવાબદારી છે જેના માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને જીવનમંત્ર બનાવી રાજ્યના દરેક ખેડૂતપુત્રને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શિત કર્યા છે.
દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ Amul દ્વારા ખેડૂતોના હિત માટે હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી સ્વાસ્થ્ય સુરક્ષા અને આત્મનિર્ભરતા વધે તે અંગે ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.
આ તકે અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર પ્રસંગે ઉદબોદન કરી પ્રાકૃતિક કૃષિનો જિલ્લામાં વ્યાપ વધે તે માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપના આહવાન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહેસાણા આત્માના તાલીમ-વ-પ્રોજેક્ટ નાયબ ખેતી નિયામકશ્રી તેજલબેન શેઠ ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત ભાઈ-બહેનોનું શાબ્દિક સ્વાગત કરી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, પદ્ધતિઓ તથા તેના આર્થિક અને પર્યાવરણલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. બ્રહ્માકુમારી શીતલબેને પ્રાકૃતિક કૃષિ સાથે યૌગિક કૃષિના મહત્વ પર પ્રકાશ પાડી આધ્યાત્મિકતા અને કૃષિ વચ્ચેના સંબંધને ઉજાગર કર્યો હતો.
પ્રાકૃતિક કૃષિ કરતાં જિલ્લાના ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં “કૃષિ હરીફાઈ” ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેડૂતોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર જિલ્લામાંથી અંદાજે 1000 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ સંબંધિત વિવિધ માહિતી સ્ટોલ તથા પ્રાકૃતિક મોડેલ ફાર્મનું પ્રદર્શન પણ યોજાયું હતું, જે ઉપસ્થિત ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ, પ્રેરણા અને આત્મવિશ્વાસનો સકારાત્મક સંદેશ મળ્યો હતો.કાર્યક્રમની આભારવિધિ મદદનીશ ખેતી નિયામકશ્રી લક્ષ્મણભાઈ પટેલે કરી હતી.
કાર્યક્રમમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમિન, અગ્રણીશ્રી ભગાજી ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ તથા નાયબ બાગાયત નિયામકશ્રી નરેન્દ્રભાઈ પટેલ સહિત ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
***
