
*Indian Oil Corporation Limited (પશ્ચિમ ક્ષેત્ર, સિદ્ધપુર) અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી કલેકટરશ્રી તથા નિવાસી અધિક કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ઊંઝા તાલુકાના ડાભી ગામ પાસે પસાર થતી સલાયા–મથુરા પાઇપલાઇન પર ઓફસાઈટ અનએનાઉન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમિયાન પાઇપલાઇનમાં લીકેજ તથા ચોરીના પ્રયાસને કારણે આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરી તંત્રની તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા, સંકલન વ્યવસ્થા અને બચાવ-રાહત કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સવારે 11:00 વાગ્યે દુર્ઘટનાની કલ્પિત ઘટના સર્જાતાં 11:37 વાગ્યે DEOC (જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) ખાતે જાણ કરવામાં આવી અને તમામ લાઇન વિભાગોને તાત્કાલિક એલર્ટ કરાયા હતા. બપોરે 12:05 વાગ્યે સમગ્ર મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, 102 અને 112 ઇમરજન્સી સેવા, ફાયર વિભાગ તથા IOCL અને HPCL ની ફાયર ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઘટનાસ્થળે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે કડીના મામલતદાર શ્રી દીપક ગઢવી દ્વારા સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીપીઓ શ્રીમતી કિંજલ પ્રજાપતિ તથા આસિસ્ટન્ટ TDO, PSI શ્રી વનરાજસિંહ પઢારિયા (ઉનાવા) સહિત સંબંધિત અધિકારીઓએ સુસંગત કામગીરી બજાવી હતી.
ગ્રામજનોને પાઇપલાઇનમાં આગ તેમજ સામાન્ય આગ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે સતર્કતા દાખવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોક એક્સરસાઇઝ અંતર્ગત એક ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ઊંઝા ખસેડવામાં આવ્યા હતા તથા અન્ય ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. સ્થળ પર પાઇપલાઇન રિપેરિંગની કામગીરીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ દરમિયાન IOCL ના ચીફ ઓપરેશન મેનેજર શ્રી અમિત કુમાર ત્રિપાઠી તથા સિનિયર ઓપરેશન મેનેજર શ્રી વી.કે. સોલંકી (સિદ્ધપુર), ડાભી ગામના સરપંચશ્રી, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****
