
સાવરકુંડલા સ્થિત સદભાવના ગ્રુપ દ્વારાશ્રી જે.વી.મોદી હાઈસ્કૂલ પટાંગણમાં ભારતીય સૈન્યના પરાક્રમ “ઓપરેશન સિંદુર”ની થીમ અંતર્ગત શ્રી ગણપતિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન*
*સદ્દભાવના ગૃપ દ્વારા આયોજિત શ્રી ગણેશ પંડાલમાં ભારતીય સેનાના અનોખા પરાક્રમને સન્માન : સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ અને બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિઓ નિહાળીને દર્શનાર્થીઓ અભિભૂત થયા*
*વિઘ્નહર્તા દૂંદાળા દેવ શ્રી ગણપતિ બાપ્પાની ભક્તિ સાથે ભારતીય સૈન્યની મહિલા શક્તિની વંદના : લાઈટ, ફાયર વીથ મ્યુઝીક અને સાઉન્ડ શો નિહાળી ભાવિક ભક્તજનો રાષ્ટભક્તિના રંગે રંગાયા*
*ભારતીય સેનાની ત્રણેય પાંખોનું સંયુક્ત પરાક્રમ – ઓપરેશન સિંદૂરની ઝાંખી નિહાળી પ્રેરણા પ્રાપ્ત કરતા સર્વ દર્શનાર્થીઓ*
*“નવું ભારત ઘરમાં ઘૂસીને આતંક અને આતંકવાદીઓનો સફાયો કરે છે” સહિતના સ્લોગન-પોસ્ટર્સનું પ્રદર્શન*
જમ્મુ કાશ્મીર સ્થિત પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા બર્બરતાપૂર્ણ હુમલાનો જવાબ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે “ઓપરેશન સિંદૂર” થકી આપ્યો હતો. આ વર્ષે શ્રી ગણેશજીની વંદના-આરાધનામાં વિવિધ થીમ અંતર્ગત શ્રી ગણેશ પંડાલો બનાવવામાં આવ્યા છે.
સાવરકુંડલા ખાતે સદ્ભાવના સેવાકીય પ્રવૃત્તિ ગૃપ દ્વારા શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલ પટાંગણમાં “ઓપરેશન સિંદુર અને ભારતીય સૈન્યમાં મહિલા શક્તિ” થીમ અંતર્ગત શ્રી ગણપતિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતીય સેનાના સન્માનમાં “ઓપરેશન સિંદૂર”ની થીમ ઉપર આયોજિત શ્રી ગણેશ પંડાલમાં સેનાના જવાનો, ભારતીય સૈન્યમાં મહિલા શક્તિની વંદના અંતર્ગત ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શ્રી વ્યોમિકા સિંહ અને થલસેનાના (આર્મી) કર્નલ શ્રી સોફિયા કુરેશી, સ્વદેશી આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પ્રણાલી અને બ્રહ્મોસ મિસાઇલ, વાયુસેનાના અદ્યતન ફાઇટર પ્લેન સહિતની પ્રતિકૃતિ સ્વરૂપના કટઆઉટ્સ મુકવામાં આવ્યા છે. જે ભગવાન શ્રી ગણેશજીના દર્શને આવતા ભાવિક ભક્તજનોમાં નવી રાષ્ટ્રીય ચેતના જગાવે છે, રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ બળવત્તર પણ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સૈન્યની ત્રણેય પાંખોના જવાનોએ દુશ્મન દેશમાં ઘરમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓનો નાશ કરવાનું પરાક્રમ કર્યું હતું. ભારત ડિફેન્સ સિસ્ટમમાં આધુનિકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારત પાસે સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ એટલે બ્રહ્મોસ મિસાઇલ પ્રણાલી પણ છે. દુશ્મન દેશના આયાતી ડ્રોનના હુમલાઓનો જડબાતોડ જવાબ આપીને ભારતીય સૈન્યએ પોતાની અદ્યતન સૈન્ય શક્તિ અને સંરક્ષણ શક્તિનો પરચો દુનિયાને આપ્યો છે.
સાવરકુંડલા સ્થિત શ્રી ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરની થીમ અંતર્ગત વિવિધ રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે જેને નિહાળીને ભક્તજનો અભિભૂત બને છે. લાઈટ અને ફાયર વીથ મ્યુઝીક, સાઉન્ડ શો નિહાળી ભાવિક ભક્તજનો રાષ્ટભક્તિના રંગે રંગાયા હતા.
સદ્દભાવના સેવા પ્રવૃત્તિ ગૃપ દ્વારા આયોજિત આ શ્રી ગણેશ મહોત્સવમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૩૦૬ લોકોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર શ્રી વ્યોમિકા સિંહ પાસે ૨,૫૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પૂર્વ સહિતના મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટરથી સફળ ઉડાન ભરી છે. જ્યારે કર્નલ શ્રી સોફિયા કુરેશી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતનું નેતૃત્વ કરનારી એકમાત્ર મહિલા અધિકારી છે. સૈન્યની ત્રણેય પાંખોમાં મહિલા શક્તિ આજે પોતાનો પરચમ લહેરાવી રહી છે.
અહેવાલ – હાર્દિક ચંદારાણા એ અખબાર યાદી માં જણાવ્યું હતું …