મહુવા નજીક વિદ્યાર્થીઓની બસનો અકસ્માત : 20ને ઈજા
મહુવા નજીક વિદ્યાર્થીઓની બસનો અકસ્માત : 20ને ઈજા

મ
હુવા તાલુકાના દેવળિયા ગામ નજીક મધરાત્રિના સમયે બે દિવસનો પ્રવાસ કરી વડોદરા પરત જઈ રહેલી વિદ્યાર્થીઓની બસ સાથે ટ્રકે જોરદાર ટક્કર મારતા 16 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, ટયુશન ક્લાસના સંચાલક સહિત 20ને ઈજા પહોંચી હતી. મોડી રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતને લઈ વિદ્યાર્થીઓ હેબતાઈ જઈ રાડા-રાડી કરી હતી. બસને અકસ્માત નડયાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ મહુવા હોસ્પિટલ દોડી આવ્યા હતા.બનાવ સંદર્ભે મળતી વિગત મુજબ વડોદરા શહેરના તરસાલી, સુસેશન રીંગ રોડ, પરમેશ્વર પ્યુપ્લેક્ષમાં રહેતા અને રહેણાંકની બાજુમાં જ આવેલા પરમેશ્વર કોમ્પલેક્ષમાં શ્રીજી ગુ્રપ ક્લાસીસી નામનું ટયુશન ક્લાસ ચલાવતા કેતનકુમાર
કિરીટકાંત પરીખ (ઉ.વ.52)એ તેમના ટયુશન ક્લાસમાં આવતા ધો.10 અને 12ના 25 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે સાસણ ગીર, સોમનાથ, દીવનો પ્રવાસ ગોઠવી ટયુશન ક્લાસના સંચાલક કેતનકુમાર પરીખ અને તેમના પત્ની અંજલીબેન ગત તા.11-4ના રોજ રાત્રિના સમયે શિવમ ટ્રાવેલ્સની બસ નં.જીજે.06.બીટી.1651 લઈ વડોદરાથી નીકળી બીજા દિવસે તા.12-4ના રોજ સાસણ ગીર પહોંચી ત્યાં જ રાત્રિ રોકાણ કરી તા.13-4ના રોજ સોમનાથ અને દીપ ફરવા ગયા હતા.
અહીંથી રાત્રિના નવેક વાગ્યે વિદ્યાર્થીઓની ખાનગી લકઝરી બસ વડોદરા પરત જવા નીકળી ત્યારે તા.14-4ની શરૂૂ રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં મહુવા તાલુકાના દેવળિયા ગામ પાસે વડવાળા પેટ્રોલપંપ નજીક હાઈવેના વન-વે રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે બેફામ ગતિએ આવી રહેલ ટ્રક નં.જીજે.11.યુ.7994ના ચાલકે બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં દંપતી, બસના ચાલક નંદકિશોરભાઈ બાલુભાઈ ભટ્ટ અને 25 પૈકીના 16 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થતાં તેમને લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે વારાફરતી મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બસ ડ્રાઈવર નંદુકિશોરભાઈ ભટ્ટને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બોલી શકતા ન હોય, વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રકના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. જો કે, ઈજા થઈ હોવા છતાં શખ્સ ટ્રક મુકી નાસી ગયો હતો.
બનાવ સંદર્ભે કેતનકુમાર પરીખે ટ્રકના ચાલક સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 279, 337, 338, એમ.વી. એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે, મોડી રાત અને પ્રવાસના ઠાકનાસાસણ ગીર, સોમનાથ અને દીવનો પ્રવાસ કરી પરત વડોદરા જઈ રહેલી વિદ્યાર્થીઓની બસ સાથે ટ્રકના ડ્રાઈવરે કાવુ મારી ધડાકાભેર અકસ્માત સર્જતા બન્ને વાહનનો આગળનો ભાગ ટોટલ લોસ થઈ ગયો હતો. વન-વે રોડ પર અકસ્માત થવાથી બન્ને સાઈડમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ દોડી જઈ વાહનને ટોઈંગ કરી સાઈડમાં મુકાવી વાહનવ્યહાર પૂર્વવત કરાવ્યો હતો. કારણે વિદ્યાર્થીઓ બસમાં ઊંઘતા હતા. ત્યારે ધડાકાભેર અકસ્માત સર્જાયો વિદ્યાર્થીઓ મોત ભાળી ગયા હતા.