
પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાત હજારથી વધુ મુલાકાતીઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મતદાન એ મહાદાન ના મંત્ર સાથે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં 8 મી માર્ચ 2024 થી આજ સુધીમાં સાત હજારથી વધુ મુલાકાતીઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું સાયન્સ સેન્ટર ના સુત્રોએ જણાવ્યું હતું. આ મુલાકાતીઓમાં પાટણ અને તેની આજુબાજુના વિવિધ જિલ્લાઓ માંથી આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતા શામેલ હતા.
આ કાર્યક્રમની શરૂઆત 8મી માર્ચ થી સરસ્વતી તાલુકાનાં મામલતદાર અને સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર દ્વારા મતદાર જાગૃતિ એર બલૂન ઉડાડીને કરવામાં આવી હતી. એર બલૂન દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમ 10 મી માર્ચે પૂર્ણ થયા બાદ મુલાકાતે આવતા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાના ઉદેશ્ય થી રોજેરોજ મતદાન પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને પુખ્ત મતદારોએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ તેમના પરિવારના સભ્યોને મતદાન કરવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી “મતદાનનો અવસર ન ગુમાવો, દેશના ભવિષ્યને સુંદર બનાવો” સાથે જણાવ્યું કે મતદાન એ મહાદાન છે અને તે આપણો અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચાલો વોટ કરીએ અને સશક્ત લોકશાહીની નીવ રાખીએ. સાયન્સ સેન્ટર મતદાનની ટકાવારી વધારવા માટે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ ચાલુ રાખવાનું નિર્ણય લીધો છે, તો તમે પણ આવો અને આ મતદાન સંકલ્પ અભિયાનના સહભાગી બનો તેવી અપીલ તેઓ દ્રારા કરવામાં આવી હતી.