
રાજકોટ -રાજકોટ શહેરના નાનામૌવા રોડ પર સ્થિત દિપવનપાર્ક સોસાયટીમાં, ઉમિયાજી ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું, મંડળના નાનકડા બાળકો એ વિશેષ રીતે તૈયારી કરી હતી, જેમાં તેમણે “ભગવાન અને ભક્તના સંબંધ” પર આધારિત સુંદર અને ભાવસભર નાટ્યરજૂઆત કરી હતી.
આ નાટ્યપ્રસ્તુતિમાં બાળકોએ દર્શાવ્યું કે કેવી રીતે એક ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી પોતાના ઈષ્ટદેવને પામે છે. સંવાદ, અને અભિનય એવાં હતા કે સમગ્ર પ્રેક્ષકમંડળ તેમની પ્રભાવિત રજૂઆતથી ભાવવિભોર થઈ ગયું. ઉમિયા ગરબી ગ્રાઉન્ડનું વાતાવરણ એક પવિત્ર મંદિર જેવું અનુભવાયું, જ્યાં સંગીતની તાલ સાથે બાળકોના દૃશ્યો મા દુર્ગા સાથેના જીવંત ભક્તિબંધનને વ્યક્ત કરતા હતા. પ્રસ્તુતિને મોટાંએ પણ ખૂબ વખાણી. વધુ માં હાર્દિક ચંદારાણા સાથે વાત કરતા ઉમિયાજી ગરબી મંડળના દિપ્તીબેન કોરડીયા તેમજ રસ્મિબેન તંતી ,અલ્પાબેન વિરમગામ ,બિન્દુબેન દવે ,વર્ષાબેન પરમાર , વસંત કોરડીયા ,અનીલ વિરમગામ સભ્યશ્રીઓએ વાત કરતા જણાવ્યું કે આવાં કાર્યક્રમો દ્વારા નવા પેઢીને આપણા સંસ્કાર, ભગવાન સાથેના જોડાણ અને ભક્તિની મહત્તા સમજાવવી એ અમારું મુખ્ય લક્ષ્ય હતું .
આવા કાર્યક્રમો એ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ ભવિષ્યની પેઢી માટે ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો જીવંત પાથ છે. બાળકો દ્વારા કરવામાં આવેલી “ભગવાન-ભક્ત” થીમ પર આધારિત રજુઆત એ સમજાવે છે કે સાચી ભક્તિથી દરેક મુશ્કેલીનો સમાધાન મળી શકે છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેઓએ ખાસ કરીને બાળકોની રજૂઆતને વધાવી હતી અને જણાવ્યું હતું કે આવી ભક્તિપૂર્વકની પ્રવૃત્તિઓથી બાળકોમાં સંસ્કાર અને આત્મવિશ્વાસ બંને વિકસે છે.
કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ, વાલીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાળકોએ કર્યું પ્રદર્શન ખુબજ વખાણ્યું અને ભાવિ પેઢીના સંસ્કારોથી આશાવાદ વ્યક્ત કર્યો. આજના યુવાનો માટે નવરાત્રી એટલે માત્ર નૃત્ય નહીં — પણ તે ઈશ્વર સાથેનો સંબંધ, પોતાને વ્યક્ત કરવાનો માધ્યમ અને સમુદાય સાથે જોડાવાનો અનોખો ઉત્સવ બની ગયો છે. ભગવાન અને ભક્તના સંબંધને આધુનિક પેઢીએ પોતાના અંદાજમાં જીવંત અને રોમાંચક બનાવી દીધો છે.
“જ્યાં હોય ઉમિયા માતાજીની કૃપા, ત્યાં હોય ઉમિયા ગરબી મંડળ રાજકોટની ઉજવણી!
ભક્તિ, ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત મંચ — ઉમિયા ગરબી મંડળ, રાજકોટ.”
✍️ રિપોર્ટર : હાર્દિક ચંદારાણા
🗓️ તારીખ: 26/09/2025
📍 સ્થળ: દિપવનપાર્ક સોસાયટી, નાનામૌવા રોડ, રાજકોટ