

જુનાગઢ -ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ સીધા જ ભવનાથ તળેટી પહોંચી પ્રમુખોને માર્ગદર્શન આપશે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. બીજા દિવસે પ્રો. હેમંતકુમાર શાહ દ્વારા અર્થશાસ્ત્ર બાબતે પ્રમુખોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હવે આજે ત્રીજા દિવસે રાહુલ ગાંદી શહેર-જિલ્લા પ્રમુખોને સંબોધશે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતામાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ સંગઠનનું નવસર્જન કરાયું. હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું. આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને સખત ટક્કર આપવા માટે તૈયાર છે.