છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષઃ૨૦૨૫-૨૬ના આયોજન અંગેની બેઠક પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં જિલ્લા પ્રભારીમંત્રીશ્રી. ભીખુસિંહજી પરમાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત પાછલા વર્ષના પૂર્ણ, પ્રગતિ અને બાકી વિકાસ કામો પર સમીક્ષા કરવામાં આવી હતી. તેઓએ વિકાસ કામો સત્વરે કામ પૂર્ણ કરવા સૂચન કર્યુ હતું. પ્રયોજના વહિવટદારશ્રી કલ્પેશકુમાર શર્માએ ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ના આયોજન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષના આયોજનમાં શિક્ષણ ,ગ્રામીણ, લધુ ઉદ્યોગો, ખેતીવાડી, પશુપાલન, ડેરી વિકાસ, ગ્રામ વિકાસ અને વિસ્તાર વિકાસ, રસ્તા અને પુલો, નાનીસિંચાઇ, આરોગ્ય, આંગણવાડી,મધ્યાહન ભોજનના કામો,પ્રાકૃતિક કૃષિ કામોની જોગવાઈ કરવામાં આવી છે. આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષઃ૨૦૨૫-૨૬ના આયોજનને સર્વાનુમતિથી બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ, સર્વે ધારાસભ્યશ્રીઓ રાજેન્દ્રભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભેસિંહ તડવી, કલેકટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.