
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં છેલ્લા ઘણાં સમયથી ઠેરઠેર ગટરો ઉભરાતાં રોગચાળો ફાટવાની દહેશત વર્તાઈ રહી છે છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકતરફ રાજ્ય સરકાર સાપુતારાને સ્વચ્છ અને સુંદર રાખવા કરોડો રૂપિયા ફાળવી આંધણ કરી રહી છે. તો બીજી બાજુ સાપુતારામાં પાણી પુરવઠા બોર્ડની ગેરરીતિ સામે આવી છે. છેલ્લા ઘણાં સમયથી સાપુતારાના આનંદો સર્કલથી વૈભવ લક્ષ્મી પેટ્રોલ પમ્પ તેમજ નાસિક રોડ ટોલનાકા સુધી ગટરો ઠેર ઠેર ઊભરાતા દુર્ગંધ મારતા સમગ્ર વિસ્તાર દૂષિત થઈ રહ્યો છે. મુખ્ય માર્ગો પર નદીની જેમ વહી રહેલા ગંદા પાણીથી સાપુતારામાં આવતા પ્રવાસીઓ આવો નજારો જોઈ પ્રશાસન તરફ ફિટકાર વરસાવી રહ્યા છે. ચોમાસા પહેલાં જગટરોના પાણી આમ રસ્તા પર ઊભરાતા સાપુતારામાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. ડાંગ જિલ્લામાં અનેક સ્થળોએ આવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે ચોમાસામાં આ ગંદુ પાણી રસ્તા ઉપર પ્રસરી જશે અને રાહદારીઓના પગ તળે આવી – રોગચાળો ફેલાવે તો નવાઈ નહીં છેલ્લા ઘણા લાંબા સમયથી વહીવટી તંત્ર સાપુતારામાં ચોખ્ખાઈ રાખવાનું ભૂલ્યુ હોય તેમ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.