
પાટણ..
સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતી સેવાઈ
શાળાના બાળકો સહિત ગ્રામજનો ગંદા પાણીમાં ચાલવા મજબુર ગ્રામ પંચાયત નિંદ્રાધીન બન્યું
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે.ગ્રામ પંચાયત ની ઢીલી નીતિ નાં કારણે વારંવાર ફાંગલી ગામ ખાતે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે.સાંતલપુરના ફાંગલી ગામમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર રેલાતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે .સ્થાનિક લોકો તથા શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકો સહિત શિક્ષકોને પણ ગંદા પાણીમાં ચાલવા મજબુર બન્યા છે. મળતી માહિતી મુજબ અને ગામનાં જાગૃત યુવાન કમાભાઇ નાં જણાવ્યા અનુસાર ગામમાં ગટર લાઇન નું કામ અધૂરું કરવામાં આવેલ છે. હાલમાં ગામ ખાતે અમુક જગ્યાએ ગટર લાઈન બિલકુલ જોવા મળતી જ નથી ત્યારે ગામનાં સરપંચ અને વહીવટદાર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે.પરંતુ ફાંગલી ગામ ખાતે સ્વચ્છતા નાં નામે મીંડું જોવા મળી રહ્યું છે. એટલું જ નહિ પરંતુ ગામમાં ગ્રામ પંચાયત ઓફિસમાં અને પંચાયત ની આજુબાજુના વિસ્તારમાં પણ સ્વચ્છતા જોવા મળી નથી.ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ફાંગલી ગામ ખાતે ગટર લાઈન અને સ્વચ્છતા ની ગ્રાન્ટ માં મોટાપાયે ગેરરીતી આચરી ભ્રષ્ટાચાર થયો હોવાની વિગત ગામનાં જાગૃત કમાભાઈ આહીર એ જણાવ્યું હતું.
ફાંગલી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તલાટી કમ મંત્રી અને વહીવટદાર ને ગામનાં જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર રજુઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈજ પ્રકારની ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી ના કરાતા સ્થાનિકોમાં ગ્રામ પંચાયત સામે ભારે રોશ જોવા મળ્યો છે .સાંતલપુરના ફાંગલી ગામ ખાતે ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ રોગચાળો વકરે અને લોકોમાં માંદગી ફેલાય તે પહેલાં ગ્રામ પંચાયત તંત્ર યુદ્ધના ધોરણે ભૂગર્ભ ગટરની સફાઈ કરી જવાબદાર તલાટી કમ મંત્રી અને સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.અને સરકાર દ્વારા આપેલું સ્વચ્છતા અભિયાન નું સૂત્ર સાર્થક કરે એવી સ્થાનિક લોકોની માગ ઉઠવા પામી છે.