
202509111003028966_1757571948mp4v480_dload

રાજકોટ- ઠેર-ઠેર મોટા ગાબડાં અને ખાડા પડ્યા હોવાને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં પરસાણા ચોક નજીક તો 20 ફૂટથી પણ મોટા ગાબડાં પડતા હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ મામલે જણાવ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. આગામી મનપાની ચૂંટણીમાં પ્રજા ભાજપને ખાડામાં નાખી દેશે.આ રોડ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ, પરસાણા ચોકમાં ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોનો ભય સતત રહે છે. દિનેશ જોષીએ કહ્યું કે, આ ખાડાઓને કારણે વાહનચાલકોના વાહનોને નુકસાન થાય છે અને લોકોના મણકા ભાંગી જવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પરસાણા ચોક પાસેની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેમણે વ્યંગમાં કહ્યું કે, ભાજપ સરકારે રાજકોટના રસ્તાઓમાં નદીના દર્શન કરાવ્યા છે.દિનેશ જોષીએ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચેરમેન દાવો કરે છે કે તેઓ વર્ષમાં બે-બે વાર રસ્તા બનાવે છે. શું રસ્તાઓ માત્ર કાગળ પર જ બને છે? વાસ્તવિકતામાં કંઈ થતું નથી. તેમણે મનપા પર કટકી સિવાય કંઈ ન કરતા હોવાનો સીધો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જામનગર અને ગોંડલને જોડતો આ મુખ્ય માર્ગ છે અને તેની આવી હાલત હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જ્યાં જરૂર નથી ત્યાં પોતાના પ્લોટ કે જમીન પાસે રસ્તાઓ બનાવવામાં આવે છે, જ્યારે ખરેખર જ્યાં લોકોની જરૂરિયાત છે ત્યાં ધ્યાન અપાતું નથી. તેમણે તાત્કાલિક ધોરણે આ ખાડાઓ બુરીને રસ્તો સુધારવાની માગ કરી હતી.