
“રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય સુવિધાઓના સમારકામ અને જાળવણીની કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાના કારણે ખરાબ થયેલા રોડ-રસ્તાઓના સમારકામ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા સંબંધિત કામગીરીનું પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ તકે ફિલ્ડમાં ઉતરેલા મ્યુ. કમિશનરે કહ્યું હતું કે, 3થી 5 દિવસમાં તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.” “રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે શહેરના વેસ્ટ ઝોનમાં ચાલી રહેલી રોડ-રસ્તા રીપેરીંગ અને પેચવર્ક કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. વહેલી પરોઢે જ કમિશનર સુમેરાએ ટીમ સાથે વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં જ્યાં રોડ-રસ્તાના સમારકામનું કાર્ય ચાલી રહ્યું છે ત્યાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કામગીરીની ગુણવત્તા, ગતિ અને પદ્ધતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમના પ્રતિભાવો તથા સૂચનો જાણવાનો પ્રયાસ કર્યો હતો. નાગરિકો દ્વારા રજૂ કરાયેલી ફરિયાદો કે સૂચનોને ત્વરિત ધોરણે ઉકેલવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ અપાઈ હતી.”
“વધુ માં કે, મુખ્યમંત્રીની ટકોર બાદ મહાનગરપાલિકા તંત્ર જાગૃત થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ સઘન ઝુંબેશ દર્શાવે છે કે, ચોમાસા બાદ ઉદ્ભવતી સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના નિરાકરણ માટે સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને નાયબ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાતો, નિરીક્ષણો અને નાગરિકો સાથેની સીધી વાતચીત દ્વારા શહેરની સેવાઓ અને સુવિધાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ માટે વરસાદ મુક્ત પાંચ દિવસનો સમય મળવો જરૂરી છે.”