
પાટણ જિલ્લાના આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલિશની દડાત્મક કાર્યવાહી
પાટણ શહેરના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન આડેધડ વાહન ચાલકો દ્વારા કરાતા વાહન પાર્કિંગના લઈ મુખ્ય માર્ગો પર અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેથી વેપારીઓ સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે આ મુશ્કેલીમાંથી લોકોને છુટકારો અપાવવા પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા મંગળવારના રોજ સધન ટ્રાફિક ઝુંબેશ શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન માર્ગ પર હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક નિવારણ ઝુંબેશને લઈ માર્ગો પર આડેધડ પાર્ક કરાયેલા વાહન ચાલકોના વાહનોને લોક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આડેધડ વાહન પાર્ક કરીને જતા વાહન ચાલકો પાસેથી દંડ સ્વરૂપે રૂપિયા 500 વસુલ કરી પાવતી આપી ફરીથી માર્ગો પર આડેધડ વાહનો પાર્ક ન કરવા કડક સૂચનાઓ આપી હતી.
પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર હાથ ધરાયેલી ટ્રાફિક નિયમનની કડક કામગીરીને લઈને માર્ગો પર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાટણ ટ્રાફિક પોલીસ તંત્રની ટ્રાફિક નિયમનની કામગીરીને પાટણના નગરજનો સહિત વેપારીઓએ સરાહનીય લેખાવી આવી કામગીરી કાયમ રહે તેવી આશા વ્યકત કરી હતી.