
“રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઇકોર્ટ દ્વારા એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને આજે ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.”
“નોંધનીય છે કે બનાવની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ આ કેસના દોષિતોને કડકમાં કડક સજા થાય એ માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો, જોકે ત્યાર બાદ ગોકળગાય ગતિએ કાર્યવાહી થતાં આ કેસની ટ્રાયલ શરૂ થાય એ પહેલાં જ પાંચ આરોપીનો જામીન પર છુટકારો થઈ ચૂક્યો છે.”
“સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના ચકચારી કેસમાં અન્ય આરોપીઓની જેમ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ મુખ્ય જવાબદારી બનતી હતી, કારણ કે તેમણે જ ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફોર્મ કરવાની રહેતી હતી. પોલીસ તો માત્ર તેમને જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોર્વર્ડ કરી દે, પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરએ બધું ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યાર બાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી, પરંતુ એ ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા, જેના કારણે આ સમગ્ર અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા. આ અગાઉ પણ ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની પણ મનપાના ફાયર વિભાગના ચોપડે નોંધ કરવામાં આવી હતી. આમ છતાં બેદરકારી દાખવવામાં આવતાં બીજી વખત એ જ જગ્યા પર આગ લાગતાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.”
“TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં હતાં
રાજકોટમાં નાના મૌવા રોડ ઉપર આવેલા TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યારસુધી કુલ 5 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન CFO એવા આરોપી ઈલેશ ખેરને જામીનમુક્ત કરવા ઓર્ડર કર્યો છે.”
“આરોપી ઈલેશ ખેર વતી તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે, જેને તપાસવામાં જાજો સમય લાગી શકે એમ છે. એક વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ નથી. તદુપરાંત થોડાં વર્ષ પહેલાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાથી 130 જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં, જયારે TRP ગેમઝોન કેસમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે તો મોરબી પુલ કેસમાં આરોપીઓને જામીન મળવાપાત્ર હોય તો આ કેસમાં પણ જામીન આપવા જોઈએ, જે દલીલને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપી ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવા ઓર્ડર કર્યો છે.”