ખેતરમાં બે શખ્સોએ યુવક પર ધારિયાથી હુમલો કરતા સારવાર માટે ખસેડાયો

સમી તાલુકાના અમરપુરા ગામની સીમમાં ખેતરમાં અગમ્ય કારણસર શખ્સોએ એક વ્યક્તિ પર ધારીયાથી હુમલો કરતા તેના હાથના કાંડાનો ભાગ કપાઈ ગયો હતો. અને તેને લાકડીથી મારમારતા ગંભીર અને જીવલેણ ઈજાઓ થતા તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.
સમીના વાહેદપુરા ગામના રહીશ ઠાકોર શંકરભાઈ વસ્તાભાઈ બપોરના આશરે સવા એક વાગ્યાથી દોઢ વાગ્યાના સુમારે મેરામભાઈ ઠાકોર રે. અમરાપુર તા સમીવાળાના ખેતરે આવ્યા હતા તે વખતે મસાભાઈ ચુંડાભાઈ ઠાકોર તેના હાથમાં ધારીયુ તથા અરવિંદભાઇ આંબાભાઈ ઠાકોર બંને રે. વાહેદપુરા તા. સમી તેમની પાસે આવેલ અને ઠાકોર મસાભાઇએ તેના હાથમાં રહેલ ધારીયુ શંકરભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં મારવા આવેલ જેથી શંકરભાઈ એ પોતાના બચાવ કરવા હાથ ઉંચો કરતા તેમના ડાબા હાથે વાગતા હાથ કપાઈ ગયો હતો. તેમજ ઠાકોર અરવિંદભાઇએ તેમને શરીરના તથા બંને પગના ભાગે લાકડીથી માર માર્યો હતો. અને તેમને વધુ ઇજાઓ થઇ હતી. આમ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે બે જણા સામે આઇપીસી 307 મુજબ ગુનો નોંધ્યો હતો