
RTE Gujarat Admission 2024-25:RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત વધતા અરજીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને આ વર્ષે રેકોર્ડબ્રેક 2.35 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી આજ સાંજ સુધીમાં 1.66 લાખથી વધુ ફોર્મ માન્ય થયા હતા.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ માટે ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે.
આ વર્ષે સરકારે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી અને 26મી માર્ચ સુધી ફોર્મ ભરવાની નિયત મુદત રખાઈ હતી. પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મુદત વધારીને 30મી માર્ચ કરવામા આવી હતી.અગાઉ 26મી સુધીમાં 2.12 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા ત્યારે મુદત વધતા 30મી સુધીમાં 2,35,387 ફોર્મ ભરાયા હતા. ભરાયેલા ફોર્મ-ડોક્યુમેન્ટસની જીલ્લા કક્ષાએ થઈ રહેલી ચકાસણી પ્રક્રિયા અંતર્ગત ગઈકાલે ચકાસણીનો છેલ્લો દિવસ હતો.
ગઈકાલે સાંજ સુધીમાં 1.66 લાખથી વધુ ફોર્મ માન્ય થયા હતા.જો કે ચકાસણી પ્રક્રિયા રાત સુધી ચાલવાની હોઈ માન્ય ફોર્મ વધશે અને ફાઈનલ સંખ્યા વિભાગ દ્વારા પછીથી જાહેર થશે. મહત્વનું છે કે આ વર્ષે ધોરણ 1માં RTEની બેઠકોમાં 50 ટકા જેટલો ઘટાડો થતા 43800 જેટલી જ બેઠકો છે. જેમાં અંગ્રેજી માધ્યમ, ગુજરાતી અને હિન્દી માધ્યમની સ્કૂલોની બેઠકો છે. સૌથી વધુ ગુજરાતી માધ્યમની બેઠકો છે. કુલ બેઠકો કરતા અંદાજે 4 ગણા વિદ્યાર્થીઓ આ વર્ષે પ્રવેશની લાઈનમાં છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15મી એપ્રિલની આસપાસ પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.