પાટણના ફાટક વિસ્તારના રહીશો દ્વારા અંડરપાસની માંગ સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી
પાટણના ખાલકશાપીર ફાટક નં. 42 Cને અગાઉ બંધ કરવાના રેલવે વિભાગના નિર્ણયને લઈ આ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા ફાટક માર્ગ પર અંડરપાસ બનાવવાની માગ સાથે દેખાવો કર્યો હતો. જે વાતને આજે ધણો સમય વિતવા છતાં કોઇ જ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરાતા રવિવારે પુનઃ આ વિસ્તારના લોકો એ રેલી સાથે સુત્રોચ્ચાર કરી અંડરપાસ બનાવવા ત્વરિત કાર્યવાહી હાથ ધરવાની માગ કરી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ખાલકશાપીર વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક 42 C ને અગાઉ બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ગતિવિધિને લઈ આ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી વિસ્તારના અંદાજીત 5000 થી વધુ લોકોને તેમજ આ વિસ્તારમાં આવેલા ખેતરોના માલિકોને ત્રણ કિલોમીટર ફરીને જવાની નૌબત ઉભી થતાં ફાટક મામલે વિસ્તારના લોકો એ ઉગ્ર રજૂઆત કરી આ રેલવે ફાટક ને બંધ કરતાં પહેલાં ફાટક નીચે થી અંડરપાસ ની સુવિધા ઉપલબ્ધ બનાવવા માગ કરતાં રેલવે સતાધીશો દ્વારા અંડરપાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેકટર દ્વારા આ મામલે આજદિન સુધી કોઈ પણ પ્રકારનો હકારાત્મક અભિગમ નહિ અપનાવતાં રવિવારે પુનઃ ઉપરોક્ત સોસાયટી વિસ્તારના અબાલ વૃધ્ધ સૌ કોઇ એ એકત્ર થઈ બેનર સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ફાટક નીચેના અંડરપાસની માગ સત્વરે સંતોષવામાં આવે તેવી માગ કરી હતી.
જો આ માગ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં નહિ આવે તો વિસ્તારના લોકો એ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ભાજપ, કોગ્રેસ કે અને પાર્ટીના ઉમેદવારોએ આ વિસ્તારમાં મત માંગવા આવવું નહીં તેવી ચિમકી ઉચ્ચારતા રવિવારનો રજા દિવસ આ વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.