નકલી નોટો સાથે પકડાયેલા આરોપીના
20 મી સુધીનાં રિમાન્ડ મંજૂર
સાંતલપુરના નેશનલ હાઇવે ઉપર પીંપરાળા ચેક પોસ્ટ ઉપર વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલની લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા મુખ્ય આરોપી ગણેશ બિહારી કામત રે. બિકાનેર (રાજસ્થાન) વાળાને સાંતલપુર પોલીસે વારાહી કોર્ટમાં રજૂ કરીને 10 દિવસનાં રિમાન્ની માંગણી કરતાં અત્રેના મેજિસ્ટ્રેટે આરોપીનેતા. 20-2-24 સુધીનાં રિમાન્ડ મંજૂર કરી વારાહી પોલીસની કસ્ટડીમાં સોંપ્યો હતો.
પોલીસ અત્રેનાં સરકારી વકીલ ભરતભાઈ જી. કેલાએ જે મુદ્દાઓ માટે રિમાન્ડની માંગણી કરી હતી. તેની રજૂઆત કરી હતી કે પકડાયેલા શખ્સ ગણેશ કામતે આ બનાવટી ચલણી નોટો બિકાનેરનાં દેવકિશન ઓઝા પાસેથી લીધી હોવાનું જણાવે છે. પરંતુ તે દેવકિશનનું પૂરું નામ, સરનામું જણાવતો નથી ને માત્ર જોયેથી ઓળખતો હોવાનું જણાવે છે. તેનું ઘર જોયું હોવાથી મુખ્ય આરોપી દેવકિશનનની તપાસ માટે રાજસ્થાન જવું જરૂરી છે. વળી પકડાયેલો ગણેશ કામત મોરબી ખાતે રહેતો હોવાથી આ નકલી બનાવટી નોટો મોરબી ખાતે કોને આપવાની હતી કે કેમ? તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની જરૂર છે.
સરકારી વકીલે ભરતભાઈ કેલાનાં જણાવ્યાનુસાર તેઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ પકડાયેલો આરોપી પોલીસને દેવકિશનનું નામ આપીને ગુમરાહ કરતો હોય એમ જણાય છે. કારણ કે, આવી કોઇ વ્યક્તિ જ નથી.આરોપી પાસેથી મળેલી નકલી નોટો સિવાય તેણે બીજી નોટોનો ઉપયોગ કર્યો હોવાની શંકા હોવાથી તેની તપાસ કરવાની છે.
આ રિમાન્ડ અરજી અન્ય મુદ્દાઓમાં પકડાયેલ આરોપી અને મુખ્ય આરોપીએ પકડાયેલ બનાવટી ચલણી નાંણાની નોટો કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને જાતે બનાવેલ છે કે કેમ? તે અંગે ઉંડાણપુર્વક પુછપરછ કરીને ફળદાયક હકિકત મળેથી તે સાધન સામાગ્રી કબ્જે કરવા સારૂ આરોપીની હાજરીની જરૂરીયાત છે.
આ ઉપરાંત પકડાયેલ આરોપીના કબ્જામાંથી પંચો રૂબરૂ કબ્જે કરેલ ભારતીય ચલણી નાંણાની રૂ.500ની બનાવટી નોટ નંગ-446 રૂ.2,23,000 ના દરની કોને અને ક્યાં આપવાની હતી તે અંગે કોઇ ફળદાયક હકિકત જણાવેલ નથી જેથી આરોપીની વિશેષ કસ્ટડી મેળવીને તે દિશામાં ઉંડાણપુર્વક પુછપરછ કરીને તપાસ કરવા સારૂ આરોપીની હાજરીની જરૂરીયાત છે. આરોપી પાસેથી કબ્જે કરેલ બનાવટી ચલણી નાંણાની નોટો સિવાય અન્ય કોઇ બનાવટી ચલણી નાંણાની નોટો અન્ય કોઇ જગ્યાએ આપેલ છે કે સંતાડેલ છે કે કેમ? તે અંગે તપાસ કરવા માટે આરોપીની હાજરીની જરૂરીયાત છે.
આ ઉપરાંત આરોપી બનાવટી ચલણી નાંણા બનાવતી દેશ વિરોધી ટોળકી કે સંસ્થા સાથે સંકળાયેલ છે કે કેમ તે બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરવા, કબ્જે કરેલ બનાવટી ચલણી નાંણાની નોટોનો પકડાયેલ આરોપીએ કોઇ જગ્યાએ ખરા તરીકે ઉપયોગ કરેલ છે કે કેમ?
આ ગુનામાં બનાવટી ચલણી નાંણાની નોટો દેશના ઇકોનોમીકને નુકશાનકર્તા હોય જેથી આ દિશામાં આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ કરીને -ગુનાના મુળ સુધી તપાસ કરવી જરૂરી હોય જે તપાસ દરમ્યાન અન્ય કોઇ સહઆરોપીઓની સંડોવણી છે કે કેમ? તેની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. આ ઉપરાંત આ આરોપીના મોબાઇલ નંબર અને આઈ.એમ.ઈ.આઈ. નંબરોની કોલ ડિટેલ્સ મેળવવા તજવીજ કરવામાં આવેલ છે જે કોલ ડિટેલ્સ મળેથી તેનો અભ્યાસ કરીને પકડાયેલ આરોપી કોની કોની સાથે સંપર્કમાં રહીને આ ગુનો કરેલ છે તેની કોલ ડિટેલ્સ કરવા માટે આરોપીના રિમાન્ડ માંગતા કોર્ટે તા. 20 મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.