કાપોદ્રાના રત્નકલાકારે ભૂલથી અનાજમાં નાખવાની દવા પીતા મોત

પેટમાં દુઃખાવો થતા દવા સમજી અનાજમાં નાખવાની દવા પી લીધી હતી

કાપોદ્રામાં રહેતા રત્નકલાકારે પેટમાં દુખાવાની દવાની જગ્યાએ ભૂલથી અનાજમાં નાખવાની દવા પી લેતા તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠા પાલનપુરના વતની અને હાલ વિજયનગર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ ગોડગભાઈ રાવલ (ઉ.વ.૫૩) હીરાના કારખાનામાં નોકરી કરી પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. મંગળવારે રાત્રે કાંતીભાઈને પેટમાં દુખાવાની તકલીફ થતા પરિવારના સભ્ય દ્વારા તેને દવા આપવામાં આવતા તબીયતમાં સુધાર આવ્યો હતો. બુધવારે સવારે તેને ફરી પેટમાં દુખાવો ઉપડતા તેઓએ જાતે પેટમાં દુખાવાની દવા પી લીધી હતી. થોડા સમયમાં કાંતિભાઈની તબીયત લથડતા પરિવારને પૂછતાછ કરતા તેઓએ ભુલથી અનાજમાં નાખવાની દવા પી લીધી હોવાની જાણ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે.

Exit mobile version