પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા

પાટણ જિલ્લામાં

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા

 છે. ત્યારે પાટણ જિલ્લામાં આગામી તા.07 મેના રોજ મતદાન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે ઓબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણી નિરીક્ષણ અર્થે પધારેલા જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસ.ડી.એ જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે કાર્યરત મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (એમ.સી.એમ.સી) કંન્ટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. 

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી કંન્ટ્રોલ રૂમમાં જિલ્લામાં પાટણ લોકસભાને લગતી ચૂંટણીલક્ષી બાબતોનું મોનિટરીંગ કરવામાં આવે છે. અહીં ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેની મુલાકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસ.ડીએ તમામ મીડિયા મારફતે કઈ રીતે મોનિટરીંગ કરવામાં આવે છે તેની વિસ્તાર પૂર્વક માહિતી લીધી હતી. એમ.સી.એમ.સી કંન્ટ્રોલ રૂમમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલનું મોનિટરીંગ થઈ રહ્યું છે. તદઉપરાંત પ્રિન્ટ મીડિયામાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના સમાચાર પત્રોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. કંન્ટ્રોલરૂમમાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પણ પાટણ લોકસભા મતવિભાગને લગતા સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. જેની વિસ્તૃત માહિતી ઓબ્ઝર્વરને નાયબ માહિતી નિયામક અમિત ગઢવી દ્વારા આપવામાં આવી હતી. 

એમ.સી.એમ.સી કંન્ટ્રોલ રૂમની મુલાકાતે આવેલ જનરલ ઓબ્ઝર્વરએ નાયબ માહિતી નિયામક પાસેથી પેઈડ ન્યુઝ, ચૂંટણી સંબંધિત પ્રકાશિત થતા સમાચારો, તેમજ અન્ય ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો મેળવીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. 

એમ.સી.એમ.સી કંટ્રોલરૂમની જનરલ ઓબ્ઝર્વરની મુલાકાત સમયે ઓબ્ઝર્વરની સાથે જિલ્લા રજીસ્ટ્રાર શિવપાલસિંહ ઝાલા, નોડલ ઓફિસર મીડિયા અને નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, સિનિયર સબ એડિટર મિલીંદ ડાભી, માહિતી મદદનીશ રીંકલ પરમાર તેમજ જિલ્લા માહિતી કચેરી અને એમ.સી.એમ.સીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Exit mobile version