સુરતમાં બુટલેગરની જાહેરમાં હત્યા કરી ભાગેલા ત્રણ યુપી પહોંચે તે પહેલાં મહારાષ્ટ્રથી પકડાયા

સુરતમાં બુટલેગરની જાહેરમાં હત્યા કરી ભાગેલા ત્રણ યુપી પહોંચે તે પહેલાં મહારાષ્ટ્રથી પકડાયા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં શુક્રવારે સવારે બુટલેગર નાનુ ઉર્ફે નાનિયાની ડિંડોલીના પ્રદીપ શુક્લા સહિત ત્રણ લોકોએ તીક્ષ્‍ણ હથિયારના ઉપરાછાપરી 17 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. કઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે આ હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓ યુપી તરફ ભાગી રહ્યાં હતાં, તેમને મહારાષ્ટ્રથી પકડી પાડ્યા હતાં.

શહેરના આભવા ગામના ગણેશ ફળિયામાં રહેતા અને લિસ્ટેડ બુટલેગર નાનુ ઉર્ફે નાનીયો રાબેતા મુજબ સવારે 07:00 વાગે પોતાના કૌટુંબિક ભત્રીજા ડેનિસ સાથે આગમ શોપિંગ સેન્ટર ખાતે આવેલા ભરકાદેવી આઈસ્ક્રીમ નામની દુકાનની આગળ ચાની લારી ઉપર ગયો હતો. ત્યાં બેઠો હતો ત્યારે મોપેડ પર ત્રણ લોકો અચાનક આવીને તેની ઉપર હથિયાર વડે એક બાદ એક 17 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાને અંજામ આપી આરોપીઓ નાસી ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. નાનીયાના મૃતદેને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો.

સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં બે આરોપીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો અને એકનો ચહેરો ખુલ્લો હતો, તેમાં ડિંડોલીનો પ્રદીપ શુક્લા હોવાની ઓળખ થઈ હતી. પોલીસે તાબડતોબ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડી તેમનું પગેરુ મેળવતા તેઓ મહારાષ્ટ્ર થઈને યુપી તરફ ભાગી જવાની પેરવીમાં હોવાનું ધ્યાને આવ્યું હતું. એટલે ત્રણેયને 24 કલાકમાં મહારાષ્ટ્રના નંદૂરબાર પાસેથી પકડી પાડ્યા હતાં.

આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મરનાર નાનીયા ઉપર પ્રોહીબિશનના અનેક કેસો થઈ ચૂક્યા હતાં. 50000 રૂપિયાની લેતી દેતી મામલે આ હત્યા થઈ હોવાનું હાલ આરોપીઓએ કબૂલ્યુ છે. પોલીસે હત્યા કરનાર ત્રણે આરોપીઓની નંદુરબારથી ધરપકડ કરી છે. આરોપી પ્રદીપે જણાવ્યું હતું કે તેણે નાનીયાને 50,000 રૂપિયા ઉછીના આપ્યા હતાં પરંતુ તે પરત કરી રહ્યો નહોતો. છ મહિના પહેલા જ પ્રદીપે લિવરનું ઓપરેશન કરાવ્યું હતું. એટલે તે વારંવાર નાનીયા પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યો હતો, પરંતુ તે આપતો નહતો અને ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. એટલે ઉશ્કેરાઈને તેણે પોતાના બે અન્ય માણસો સાથે મળીને તેની હત્યા કરી હતી.

Exit mobile version