
સુરત, હીરા બજારમાં હીરા દલાલે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમિતભાઈ નાનુભાઈ સોરઠીયા ઉ. વ.43 લંબેહનુમાન રોડ ખાતે આવેલ દિવ્ય વસુંધરા ફ્લેટ માં પત્નિ તેમજ બે સંતાન સાથે રહેતો હતો. તે હીરાદલાલ તરીકે કામ કરતો હતો. શુક્રવારે રાત્રે પોણા અગ્યાર વાગ્યાના સુમારે તેણે હીરા બજારમાં આવેલી પીપળા શેરી નાં ગોકુલ બિલ્ડિંગમાં પાચમાં માળે ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારે બપોરે દોઢ વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે મહિધરપુરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. તેના કારણે આત્મહત્યા કરી હોઈ તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.